આટલું અવશ્ય કરજો
પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રીમથુરેશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાનુંસાર
આજના પ્રવૃત્તિમય યુગમાં ધર્મપાલન તથા ભગવતચિંતન કરવું ખુબ મુશ્કેલ છે. પણ સંક્ષેપમાં ભગવતચિંતનનો નિત્યક્રમ હોય તો બધાજ તે પાડી શકે. અતએવ આ દસ મિનિટનો ક્રમ રચવામાં આવ્યો છે. આટલું પણ જો કોઈ કરે તો આજના યુગમાં ઘણું કહેવાય.
1 - એક નેતરની યા લાકડાની ઝાંપી અથવા એક નાનું સરખું મંદિર જેવું રાખવું.
2 - એક શ્રીનાથજી નું ચિત્ર અને એક શ્રીમહાપ્રભુજીનું ચિત્ર એમ બે ચિત્રજી પધરાવવાં અને અનુકૂળતા હોય તો વિશેષમાં શ્રીયમુનાજીનું ચિત્ર પણ રાખવું અને ઝાંપી અગર મંદિર જેવામાં પધરાવવાં.
3 - એક નાની સરખી ઝારીજી રાખવી, એક નેનો બંટો રાખવો. ઝારીમાં કૂવાનું અને તેમાં પ્રતિકૂળતા હોય તો ન છૂટકે નળનું જળ પવિત્રતા તથા જાળવણી પૂર્વક ભરવું અને બંટામાં મીસરી ભરવી.
4 - સવારે ન્હાઈ-ધોઈ પ્રભુને જગાડી પોતાની સમક્ષ વ્યવસ્થિત બિરાજમાન કરાવી ચરણસ્પર્શ કરી ફળો અથવા મીસરીનો ભોગ ધરવો અને ત્યારબાદ મંગલાચરણ, શ્રીસર્વોત્તમજી, શ્રીયમુનાષ્ટક, શ્રીકૃષ્ણાશ્રય વગેરેનો પાઠ કરવો, " મંગલધ્વનિ પ્રાર્થના કરવી ", " શ્રી કૃષ્ણ: શરણં મમ " ની એક માળા જપવી.
બાદ ભોગ સરાવી, અને ઝાંપીયા મંદિરમાં પોઢાવી દેવા, બંટામાં મીસરી ભરી પાસે પધરાવી ઢાંકણું યા દ્વાર બંધ કરવી આટલું કરીને પછીજ પોતાની વ્યવશ્થામાં લાગી જવું અને ભોગ ધરેલી તે મીસરીને જમવાની જે વસ્તુ કરી હોઈ તેમાં થોડી થોડી પધરાવવી જેથી સર્વે ખાદ્ય વસ્તુ પ્રસાદી થાય. ઇતિશમ્