બ્રહ્મસંબંધ નો ભાવાર્થ

ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ-કલેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ, ભગવાન કૃષ્ણ (શ્રી ગોપીજન વલ્લભ) ને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અન્તઃકરણ તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન આલોક અને પરલોક, માર આત્મા સહિત સમર્પણ કરું છું. હું તમારો તમારો દાસ છું; 'હે કૃષ્ણ ! હું તમારો છું.'

બ્રહ્મસબંધ આત્મ નિવેદનનો સંક્ષિપ્ત ભાવાર્થ

માયા રહિત શુદ્ધ પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડ નાયક આનંદધન સચ્ચિદાનંદ પરમાનંદ મુકુંદ નયનાભિરામ ધનશ્યામ શ્રીકૃષ્ણ સાથેના આત્મા સમર્પણ પૂર્વકના સ્વામી અને સેવકનો સબંધ એ " બ્રહ્મસબંધ " કહેવાય.

" બ્રહ્મ " એટલે સૌથી મોટું-વિશાળ સર્વ વ્યાપક તત્વ અર્થાત પરમેશ્વર એની જોડે જીવોનો અને સેવકનો સંબંધ એ " બ્રહ્મસબંધ " કહેવાય

જેમ બ્રહ્મ સર્વ વ્યાપક અને સૌથી મહાન છે તેમ આ આત્મ નિવેદન બ્રહ્મસબંધ મંત્ર પણ જીવોના પાપ કે પુણ્ય યા જાતિ-જ્ઞાતિ-નાના મોટાના ભેદ વગર વ્યાપક રૂપે ઉદ્ધાર કરતો હોય સૌથી મહાન મંત્ર છે. વળી તે સાક્ષાત પ્રભુના મુખારવિન્દ માંથી પ્રગટ થયો હોવાથી વેદ સમાન પરમ પવિત્ર છે.

જીવો જયારે સૃષ્ટિના આદિમાં પરમેશ્વરમાંથી નીકળ્યા ત્યારે પરમેશ્વરની જેમ સત-ચિત્ત-આનંદ હતા. પણ બહાર નીકળ્યા બાદ માયાના સંબંધથી જીવોમાંથી આનંદાંશ તિરોહિત (ગુપ્ત) થયો એટલે એને બંધન તથા વિપરીતપણું થયું. તે જન્મ મરણ ના ફેરામાં પડી પોતાના પ્રભુને અને ખુદ પોતાના સ્વરૂપને ભૂલી ગયો.

શ્રાવણ સુદ એકાદશીના દિવસે શ્રીવલ્લભાચાર્યજી મહાપ્રભુજીને મનમાં અત્યંત ચિંતા થઈ કે આ દોષોથી ભરાયેલા જીવોને પ્રભુ જોડે સંબંધ શી રીતે કરવો? આ વખતે પોતે શ્રીગોકુળમાં યમુનાજીના કિનારે ઠકુરાણી ઘાટ ઉપર બિરાજેલા હતા. જયારે તેઓ શ્રી ના મનમાં ખુબ જ ચિંતા પ્રજ્વલી ઉઠી ત્યારે મધ્યરાત્રિના સમયે સાક્ષાત શ્રીગોવર્ધનધરણ શ્રીનાથજીબાવાએ પ્રગટ થઇને દર્શન આપી આ આત્મ નિવેદન બ્રહ્મસબંધ મંત્ર શ્રી મહાપ્રભુજીને આપી આજ્ઞા કરી કે આ શરણાગતિ પૂર્વક આત્મ સમર્પણનો મહામંત્ર આપ જે કોઈ જીવોને આપશો તેના જન્મ જન્મ ના સર્વ દોષો તાત્કાલિક દૂર થઇ જશે અને નિર્દોશ બનેલ તે જીવો મારા સંબંધને યોગ્ય બની મારી ભક્તિ સેવાને યોગ્ય બની જશે અને સરળતાથી મારી પ્રાપ્તિ કરી શકશે.

શ્રીમહાપ્રભુજીની ખુબજ પ્રસન્નતા થઇ, શ્રી મહાપ્રભુજીએ સુતારનું કેસરમાં રંગેલ પ્રવિત્રા પ્રભુને ધર્યું અને સાકારનો ભોગ ધર્યો. બાદ બીજે દિવસે શ્રાવણ સુદી - 12 ના દિવસે શ્રીમહાપ્રભુજીએ ભગવાનએ પ્રદશેલ પુષ્ટિ કૃપાના આ મહાન માર્ગનો પ્રારંભ કર્યો અને દૈવી જીવોને બ્રહ્મસબંધ મહામંત્ર દીક્ષા આપવાની શરુઆત કરી સૌપ્રથમ પોતાના પરમ પ્રિયા ભક્ત શ્રીદામોદરદાસજી હરસાનીને આ મહામંત્રની દીક્ષા આપી શ્રીદામોદરદાસે શ્રી મહાપ્રભુજીને પ્રવિત્રુ ધરાવી અને મિસરી આરોગાવી.

આ રીતે શ્રાવણ સુદ એકાદશી અને બારસએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે પરમ સૈભાગ્યના દિવસો છે. આ દિવસે પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય શ્રીમહાપ્રભુજીએ કર્યું . વૈષ્ણવો માટે આજ ગુરુ મહાન પર્વ છે નહિ કે અષાઢ સુદી - 15 જેને ગુરુપૂર્ણિમા કહે છે એ તો શંકરાચાર્યના સંપ્રદાયમાં સન્યાસીઓ માટે પર્વ છે વૈષ્ણવો માટે તો " ગુરુપર્વ " શ્રાવણી એકાદશી-દ્વાદશી જ હોઈ શકે

બ્રહ્મસબંધ મહામંત્રની દીક્ષા લીધા બાદ જીવ ને ભગવતસેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. કોઈ પણ સાધનામંત્ર દીક્ષા લીધા પછી જ શરૂ કરવામાં આવે છે અને તો જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે માટે દીક્ષા લીધેલ વૈષ્ણવે જીવનમાં ભગવદ ભક્તિની સાધના કરવી જોઈએ. આ મારુ કે તારું એ ભૂલી સર્વ કંઈ પ્રભુનું છે અને પોતે પણ પ્રભુનો દાસ છે એ ભાવનાનો સતત વિચાર કરતા રહી તેનો વિકાસ કરતા રહેવો જોઈએ . આપણા માર્ગમાં ગુરુ એક માત્ર શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી જ છે. શ્રીમહાપ્રભુજી વતી દીક્ષા આપનાર ગુરુદ્વાર છે. માટે શ્રી મહાપ્રભુજી ઉપર ખુબ જ આદર અને શ્રદ્ધા રાખવી તથા શક્તિ અનુસાર પ્રભુની સેવા ભક્તિ કરવી.

હાથમાં તુલસી પાત્ર લઈ તુલસીની સાક્ષીમાં જીવ આ મહામંત્ર બોલે છે કે, હે ભગવાન ! તારાથી વિખુટા પડયે હજારો યુગોના યુગો વીતી ગયા, કેટલો લાંબો સમય ચાલ્યો ગયો તારાથી જુદા થઈને? અનેક જન્મોમાં અત્યંત સંતાપ અનુભવ્યો. હજારો સૂર્ય તપે એટલો બધો સંતાપ જન્મોજન્મનો થયો પણ તારા રસાત્મક વિપ્રયોગાનંદ કૃષ્ણસ્વરૂપના વિયોગથી તારી મિલનની તીવ્રેચ્છાથી જન્મેલ વિરહ તાપકલેશરૂપિ આનંદ જે અનુભવાવો જોઈએ તે મારામાં તિરોહિત થયો છે (ગુપ્ત થયો છે.) એવો એવો હું પામર અને દોષોથી ભરેલો જીવ, ઐશ્વર્ય-વીર્ય-યશ-શ્રી-જ્ઞાન અને વૈરાગ્ય અને છ અલૌકિક ધર્મોને ધારણ કરનાર તું ભગવાન, વિપ્રયોગાનંદ તથા સંયોગ રસાનંદ સ્વરૂપ કૃષ્ણ શ્રીગોપીજનવલ્લભને જેમાં મારી મમતા અને અહંતા છે તે દેહ, ઇન્દ્રિયો, પ્રાણો, અંતઃકરણ અને તેના ધર્મો સ્ત્રી/પુરુષ, ઘર, પુત્ર, હિતૈષી મિત્રો, સગાંસબંધી વી. ત્થા ધન, આ લોકમાં પાપ અથવા પુણ્ય કાર્ય હોય તે અને પરલોકમાં જે ફળ મળે તે, હે પ્રભો ! મારા આત્મા સહિત તારા ચરણોમાં સમર્પણ કરું છું. હું તારો દાસ છું. હે કૃષ્ણ હું તારો છું. (બધા જ સાથે) તારા ચરણોમાં શરણે આવ્યો છું.

આ રીતે બ્રહ્મસબંધ મંત્ર એ આત્મદીક્ષા હોઈ કોઈ પણ દેહદીક્ષા કરતા તેનું મહત્વ વધારે છે. માટે ગાયત્રીમંત્ર ની દેહદીક્ષા લીધેલ યજ્ઞ પવિત્ર ધારણ કરેલ કોઈ પણ બ્રાહ્મણ યા દ્વિજ વર્ણ આ આત્મ નિવેદન રૂપી આત્મદીક્ષા પણ લઈ જ શકે છે. તેમાં કોઈ જ દોષ કે બાધ નથી અને લેવી જ જોઈએ.